એશિયા કપ શરૂ થયા પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ટાઈટલની દાવેદાર માનવામાં આવી રહી હતી. તે સમયે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વન ડે રેન્કિંગમાં ટોપ પર હતી. જોકે, એશિયા કપમાં પાકિસ્તાનની ટીમે નબળું પ્રદર્શન કર્યું હતું. ટીમ ફાઇનલમાં પહોંચી શકી ન હતી. સુપર 4 મુકાબલામાં પાકિસ્તાનને ભારત અને શ્રીલંકા એમ બંને તરફથી પરાજય મળ્યો હતો.
આ દરમિયાન હવે આવતા મહિને 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત હજી સુધી થઈ નથી. જોકે, એશિયા કપમાં જે ખેલાડીઓ રમ્યા હતા તેમને ટીમમાં જગ્યા મળી શકે છે. આ દરમિયાન લેગ સ્પીનર અબરાર અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. અબરાર અહમદે અત્યાર સુધીમાં છ ટેસ્ટમાં 38 વિકેટ લીધી છે. બીજી તરફ તેણે હજુ સુધી એક પણ ઇન્ટરનેશન વન-ડે રમી નથી.
ભારતમાં આ વર્લ્ડ કપ રમાશે અને વર્લ્ડ કપની બધી જ મેચ ભારતમાં રમાય તેવું પહેલી વાર બનશે. સમા ટીવી મુજબ બાબર આજમ અને ચીફ સિલેક્ટર ઇન્જમામ ઉલ હક વચ્ચે બેઠક મળ્યા બાદ અબરાર અહેમદને ટીમમાં લેવા બાબતે સહમતી થઈ હતી.
થોડા દિવસોમાં જ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જાહેરાત થઈ શકે છે. તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં પાકિસ્તાનના સ્પીન બોલર ખાસ ઉકાળી શક્યા ન હતા. ખાસ કરીને વાઇસ કેપ્ટન શાબાદ ખાન પર ચાહકોને ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ, તેનું પ્રદર્શન સારું રહ્યું નહીં. આ કારણે ટીમમાં એક સ્પિનર રાખવાનું દબાણ મેનેજમેન્ટ પર ઉભું થયું હતું.
વધુ જાણકારી અનુસાર અબરાર અહેમદ હાલ પાકિસ્તાનની ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ કાઈદે આઝમ ટ્રોફીમાં રમી રહ્યો છે. ત્યારે વર્લ્ડ કપને જોતાં તેને આગળની મેચો ન રમવાની સલાહ આપવામાં આવી છે.
શાબાદ ખાનની 41ની સરેરાશ
એશિયા કપ 2023ના આંકડા જોતા ખ્યાલ આવે છે કે, પાકિસ્તાનના વાઇસ કેપ્ટન અને લેગ સ્પિનર શાદાબ ખાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. 5 મેચમાં તેની સરેરાશ 41ની હતી અને તી માત્ર છ વિકેટ જ લઈ શક્યો હતો. આ ઉપરાંત તેની ઇકોનોમી 6ની નજીક હતી. બીજી તરફ ઓફ સ્પિનર ઇફ્તિખાર અહેમદે 4 વિકેટ લીધી હતી. જ્યારે ડાબોડી સ્પિનર મોહમ્મદ નવાઝ માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો.
પાકિસ્તાનના સ્પિન બોલરોની સરખામણીએ ભારતીય સ્પિન બોલરો ઘણા અંશે સફળ રહ્યા હતા. ભારતના ડાબોડી સ્પિનર કુલદીપ યાદવે 11ની એવરેજથી 9 વિકેટ ઝડપી હતી. તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ બન્યો હતો. તેણે પાકિસ્તાન સામે 25 રન આપીને 5 વિકેટ લીધી હતી. જે તેનું બેસ્ટ પરફોર્મન્સ રહ્યું હતું. બીજી તરફ શ્રીલંકાના ડાબોડી સ્પિનર ડુનીથ વેલાલ્ગેએ 10 વિકેટ લીધી હતી
આ પણ વાંચો:
ASIA CUPમાં ભારતને હરાવનાર બાંગ્લાદેશનાં ક્રિકેટરની પત્ની પોતાને ગણાવે છે કૃષ્ણ ભગવાનની દાસી
અબરાર પાસે હજી લિસ્ટ એ નો પણ નથી યોગ્ય અનુભવ
આગામી વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હોવાથી સ્પિન બોલર્સ દરેક ટીમ માટે જરૂરી બની જશે. પાકિસ્તાન અબરાર અહેમદને લાવવા તૈયારી તો કરી રહ્યું છે પણ અબરાર પાસે હજી લિસ્ટ એ ક્રિકેટમાં રમાવાનો પણ પૂરતો અનુભવ નથી. તેણે માત્ર 12 જ લિસ્ટ એ મેચ રમી છે. જેમાં તેણે 26ની સરેરાશે 17 વિકેટ લીધી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 25 રન આપીને 3 વિકેટ લેવાનું છે. તેણે ઓવરઓલ T20 ફોર્મેટમાં 21 મેચ રમી છે અને 22 વિકેટો લીધી છે. તેણે પાકિસ્તાન તરફથી હજી સુધી 6 ટેસ્ટ મેચ જ રમી છે. જેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 114 રન આપીને 7 વિકેટ લેવાનું છે. ટેસ્ટમાં તેણે બે વખત પાંચ અને એક વખત 10 વિકેટ લીધી છે.
વન ડેમાં આ 4 ભારતીય ક્રિકેટરોનું કરિયર ખતમ?
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ 1992 બાદ પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપનું એકપણ ટાઈટલ જીતી શકે નથી. આવી સ્થિતિમાં પાક. ટીમના કેપ્ટન બાબર આજમ પ્રત્યે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની ઘણી બધી અપેક્ષા છે. બાબર વનડે ફોર્મેટમાં હજી પણ વિશ્વનો નં-1 બેટ્સમેન છે. ફાસ્ટ બોલર નસીબ શાહ ઇજાગ્રસ્ત થતાં પાકિસ્તાની ટીમને ફટકો લાગ્યો છે. તે આગામી વર્લ્ડ કપમાં ન રમે તેવી શક્યતા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર